Jode Rahejo Raj , Bhomiya Vina Mare

આજે ૨૧મી માર્ચ છે. આ દિવસને સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. સમગ્ર વિશ્વગુર્જરીને આ દિવસની હાર્દિક શુભેચ્છા. ગુજરાતી કવિતાનો સતત અભિષેક કરતા બ્લોગસ ટહૂકો, લયસ્તરો,ઊર્મીસાગર, રણકાર,ગાગરમા સાગર અને આવા અનેક બ્લોગ્સના સંચાલકોને આભિષેક’ તરફથી હાર્દિક શુભેચ્છા. આપણા સહુના સહિયારા પ્રયાસો વડે આ શબ્દાભિષેક સતત થતો જ રહેશે એવી ખાતરી છે.

Poet –  Umashankar Joshi
આજના દિવસનુ મહ્ત્વ માણીયે દિવ્યેશ વ્યાસના શબ્દોમા. (આભાર – સંદેશ સંસ્કારપૂર્તી)

૨૧ માર્ચ વિશ્વ કવિતા દિવસ તરીકે ઊજવાય છે. યુનેસ્કો દ્વારા ૨૦૦૦ની સાલથી આ સિલસિલો શરૃ થયો છે. કવિતાએ ક્રાંતિઓ સર્જી છે અને કવિતાએ જ સંસ્કૃતિઓને સદીઓ સુધી જિવાડી છે. આજના ક્લેશ ઓફ સિવિલાઇઝેશનના સમયમાં ચારેકોર કટ્ટરતાનો નગ્ન નાચ ચાલી રહ્યો છે ત્યારે કવિતામાં એ તાકાત જરૃર છે, જે કટ્ટરતાને કરુણામાં પલટાવી શકે, કારણ કે કવિતા એ હ્ય્દયની ભાષા છે


વસંત એ અભિવ્યક્તિની ઋતુ મનાય છે. સમગ્ર સૃષ્ટિના તમામ સજીવોમાં માનવી એ બાબતે ભાગ્યશાળી છે કે તે એક નહિ અનેક રીતે પોતાની લાગણીઓ, વિચારો, દૃષ્ટિકોણ અને મંતવ્યોની અભિવ્યક્તિ કરી શકે છે. કહેવાય છે કે વ્યક્તિ સૌથી વધુ સારી રીતે કવિતામાં જ વ્યક્ત થઈ શકે છે. કવિતા માનવીના હ્ય્દયના ઊંડાણમાંથી પ્રગટ થતી હોય છે. હ્ય્દયમાં લાગણીઓ છલકાતી હોય ત્યારે હ્ય્દયની બહાર ટપકી પડતી લાગણીઓ શબ્દોના વાઘા સજીને કવિતાનું સ્વરૃપ ધારણ કરતી હોય છે. માનવીને જ્યારે દિલથી કોઈ વાતની ખુશી કે ગમ અનુભવાય ત્યારે તેના આંખના ખૂણા જરાક પલળી જતાં હોય છે, આ આંખની ભીનાશને જ્યારે શબ્દો મળે છે ત્યારે સર્જાય છે કવિતા. કવિતા, હ્ય્દયનાં આંસુ છે. આંસુ હરખનાં પણ હોઈ શકે અને પીડાનાં પણ હોઈ શકે. આંસુ પ્રેમનાં પણ હોઈ શકે અને પ્રસન્નતાનાં પણ હોઈ શકે, આંસુ સુખનાં પણ હોઈ શકે અને સંતાપનાં પણ હોઈ શકે. આ આંસુ જ્યારે શબ્દો દ્વારા અભિવ્યક્તિ પામે છે ત્યારે સર્જાય છે કવિતા. કવિતા એ માનવીમાં રહેલી સંવેદનાનો પુરાવો છે, માનવીમાં રહેલી કરુણતાનું પ્રતિબિંબ છે, માનવીમાં રહેલી માનવતાનો પડઘો છે.


કવિતા વિના માનવીને ક્યાં ચાલ્યું છે. બાળકને ઊંઘ પણ હાલરડાં વિના આવતી નથી કે લગ્નગીતો વિના લગ્નનો માહોલ જામતો નથી. મરસિયા વિનાની મોકાણ ફિક્કી જણાય છે. કવિતા આપણા જીવનમાં અભિન્નપણે ગૂંથાયેલી છે. દરેક વ્યક્તિ જિંદગીના કોઈ ને કોઈ તબક્કે કવિ હોય છે, પણ પછી દુનિયાદારીમાં ફસાયા બાદ જ્યારે ફૂલ સાથે વાત કરવાનોય સમય રહેતો નથી ત્યારે કવિતાનું જિંદગીમાંથી બાષ્પીભવન થઈ જતું હોય છે. પણ આખરે કવિતા જ માનવને અહેસાસ કરાવે છે કે તમે એક જીવંત, ધબકતા માનવી છો.


એક જમાનામાં સાહિત્ય એટલે કવિતા અને કવિતા એટલે સાહિત્ય એવી સ્થિતિ હતી. જે કંઈ રચના થતી તે પદ્યમાં જ થતી. કહેવાય છે કે વિદ્વાનો-પંડિતોના એકબીજા સાથેના સંવાદો પણ છંદબદ્ધ કવિતામાં જ થતા હતા. પત્રવ્યવહાર પણ કવિતામાં જ થયાનાં ઉદાહરણો વાંચવા-સાંભળવા મળે છે. વેદોઉપનિષદો જ નહિ, રામાયણ-મહાભારત જેવા મહાનતમ ગ્રંથો કવિતામાં જ લખાયા છે. આ મહાકાવ્યોએ જ આપણી સંસ્કૃતિને આજ સુધી તાજી રાખી છે, જીવંત રાખી છે. તેના થકી જ સદીઓથી આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહી શક્યા છીએ. ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો સાહિત્યમાં આધુનિક યુગની શરૃઆતમાં ગદ્યને સ્થાન અપાવનાર નર્મદ ગણાય છે. જેને આપણે કવિ નર્મદ તરીકે ઓળખીએ છીએ અને યા હોમ કરીને પડો ફતેહ છે આગે…માં નર્મદ અને તેનો મિજાજ જેટલા અભિવ્યક્તિ પામ્યા છે, એટલા તેમના અન્ય કોઈ લખાણમાં કદાચ પામ્યા નથી. નર્મદનાં કાવ્યો આપણને તરત સાંભરે છે, પણ તેના લેખો જલદી યાદ આવતા નથી. આ બતાવે છે કે નર્મદ જેટલા સારી રીતે કવિતામાં આપણને સ્પર્શી જાય છે, એટલા ગદ્યમાં સ્પર્શી શક્યા નથી.


આજે પણ ગમે તેવી વ્યક્તિને, જેણે કદી કોઈ એકાદ પુસ્તક પણ નહિ વાચ્યું હોય, તેને પણ કવિતા-ગઝલ સાંભળવી-વાંચવી ગમતી હોય છે. આજે ફિલ્મના નામ કરતાં તેનાં ગીતો આપણને વધારે યાદ રહી જતાં હોય છે, કારણ કે ગીતો-કાવ્યો તે સીધા હ્ય્દયમાંથી થતી અભિવ્યક્તિ છે અને એટલે જ તે સૌને વધારે સ્પર્શે છે. મોંઘવારીની ગમે તેટલી વાતો કરો, આંકડાઓ રજૂ કરો, પરંતુ ભૂખ્યાજનોના જઠરાગ્નિ..વાળી પંક્તિમાં જે સચોટતા આવે છે, જે પ્રભાવ ઊભો થાય છે, તે કોઈ આંકડાઓથી આવતા નથી. કારણ કે કવિતામાં જે અભિવ્યક્તિની તાકાત છે, તે બેજોડ છે.


આજે ક્લેશ ઓફ સિવિલાઇઝેશનનો માહોલ છે. ખ્રિસ્તી અને ઇસ્લામ વચ્ચે જાણે ધર્મયુદ્ધ…સોરી, ધર્મના નામે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે માનવે સાધેલા વિકાસને સરખી રીતે ભોગવવા દેતું નથી. આજે સુંદર-સુવિધાજનક ઇમારતોમાં પણ અસલામતીનો ડર શાંતિ-સુખને દોહ્યલા બનાવે છે. આજે માનવી કટ્ટરતાથી પરેશાન છે. કટ્ટરતા એટલે કરુણતાનો અભાવ. આપણે ધર્મના નામે નિર્દોષોનાં લોહી વહાવીએ એ નર્યા કરુણતાના અભાવની ચાડી ખાય છે. માનવતા જાણે મરી પરવારી છે. કહેવાતા ત્રાસવાદની વાત છોડીએ તો પણ માનવી માનવી પર કેટકેટલા ત્રાસ વિતાવતો હોય છે? વેપારી પોતાની સમૃદ્ધિ માટે ગ્રાહકને છેતરે છે, સરકારી અધિકારી પૈસા ખાતર ભ્રષ્ટાચાર આચરીને લોકોના હકનું છીનવી લે છે અથવા તેમાં ભાગ પડાવે છે, શેઠિયાઓ પોતાને ત્યાં કામ કરનારને નીચોવી લઈને માંડ તેનું ગુજરાન ચાલે એટલું ચૂકવણું કરતા હોય છે. બની બેઠેલા સત્તાધીશો લોકોના પૈસે તાગડધિન્ના કરે છે. ઉદ્યોગપતિઓ પોતાનાં કારખાનાં સ્થાપવા માટે બીજા હજારો લોકોને વિસ્થાપિત બનાવી તેમની જિંદગી દોઝખ બનાવે છે. આ બધંુ કરુણતા, માનવતાનો અભાવ જ દર્શાવે છે અને એને કારણે જ પછી પેદા થાય છે કટ્ટરતા. આ કટ્ટરતા ક્યારેક માઓવાદના સ્વરૃપમાં સામે આવે છે, તો ક્યારેક નક્સલવાદના, ક્યારેક ચોરી-લૂંટ તરફ વળે છે તો ક્યારેક અપહરણ-અપરાધ તરફ. આનાં મૂળમાં એક જ વાત હોય છે. સંવેદનાનો દુષ્કાળ. લાગણીઓનો સુકારો. માનવતાની ગુમનામી.
કવિતા માનવીના હ્ય્દયને ડઠ્ઠર, સખત થતું અટકાવે છે. કવિતા જ માનવીય કરુણાનો દીપક પ્રજ્જવલિત રાખે છે. આજે કવિતા ક્યાંય દેખાતી નથી, હ્ય્દયના ઊંડાણમાંથી ફૂટી નીકળતી સંવેદનાની સરવાણી હવે દુર્લભ થઈ રહી છે. આ લુપ્ત થતી કવિતાને પુનર્જીવિત કરવાની જરૃરિયાત જોઈને જ યુનેસ્કોએ ૧૯૯૯માં ૨૧મી માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય કરેલો. આ દિવસ કવિતાનો છે, માનવની કરુણતાને ફરી જીવંત કરવાનો છે, માનવને ફરી માનવતા તરફ વાળવાનો છે.


૨૦૧૦ના વિશ્વ કવિતા દિવસની થીમ રખાઈ છે, સૃષ્ટિ (નેચર). આપણી અમાનવીયતાનો ભોગ અન્ય માનવો જ નહિ, પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ બનતી હોય છે. જગતમાં જૈવ વૈવિધ્ય (બાયોડાયર્વિસટી) પર ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક સજીવોની જાતિઓ લુપ્ત થઈ રહી છે. આ બાબત પ્રત્યે સંવેદના ઊભી કરવા માટે પોતાનાં કાવ્યો થકી કુદરતના અનુપમ સૌંદર્યનું વર્ણન કરીને તેનું મૂલ્ય પ્રસ્થાપિત કરનારા કવિઓનાં કાવ્યોનું પઠન વિશ્વભરમાં કરાશે. યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમમાં રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનું પઠન થવાનું છે. ચાલો, આપણે પણ થોડી સંવેદનાસભર કવિતાઓ વાંચીને આ દિવસ ઊજવીએ.


આ વર્ષે ‘વિશ્વ કવિતા દિવસ’નો વિષય પ્રકૃતિ છે. તો માણીયે પ્રકૃતિનુ એક ગીત.


સ્વર – ઉદય મઝુમદાર


સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી
કવિ – ઉમાશંકર જોષી


ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે


અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.


જોડે રહેજો રાજ
સ્વર – પ્રફુલ્લ દવે

જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ
જોડે રહેજો રાજ


ભલે સૂરજ ઉગે કે ના ઉગે,
ભલે ચંદર ડૂબે કે ના ડૂબે,
તમે જોડે રહે જો રાજ.


જોડે રહેશું રાજ
ભલે દિવસ ઉગે કે ના ઉગે,
ભલે સાંજ ઢળે કે ના ઢળે,
જોડે રહેશું રાજ


હો…. આમ ગોતું, તેમ ગોતું,
ગોતું તારો સંગાથ રે
હુંય જાણું, તુંય જાણે,
જાણે જગતનો નાથ રે


હે આભધરતી મળેકે ના મળે
તમે જોડે રહેજો રાજ


જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ


હો… હાય રસિયા નેણ વસીયા,
ઝૂમે જગતનાં લોક રે
અરે હોય પાતળી હો પદમણી
ભલે જુએ પર લોક રે
કે સાત સમદર છલે કે ના છલે
તમે જોડે રહેજો રાજ


જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ


હો… રામ તું, શ્યામ તું,
માર તિરથનું ધામ તું
હે… રુદિયામાં ચિતરીને રાખું છું તારું નામ હું,
રાધા રાધ રૂપાળું નામ હું,
ભલે મેરૂ ડગે કે ના ડગે
તમે જોડે રહેજો રાજ


જોડે રહેજો રાજ,
હા હા જોડે રહેશું રાજ

Post a Comment

Required fields are marked *

*
*

%d bloggers like this: